થોડા સમય માટે તો કડવાશ ભૂલી જા! …

થોડા સમય માટે તો કડવાશ ભૂલી જા ! …

 
leaf.

 

 

જિંદગી ભી અજિબ દરિયા હૈ, જિંદગી ભર ઉસી કી પ્યાસ રહે,

આજ હમ સબ કે સાથ ખુબ હંસે, ઔર ફિર દેર તક ઉદાસ રહે.

 

  • બશીર બદ્ર

 

 

સમયનો મિજાજ વિચિત્ર હોય છે. સમયની ફિતરત અવળચંડી છે.  સમય કાયમ માટે મિત્ર પણ હોતો નથી અને હંમેશ માટે શત્રુ પણ હોતો નથી.  સમય કયારેક સાથીદારના રૂપમાં મોજુદ હોય છે તો કયારેક એ જ સમય હરીફ બનીને સામે આવીને ઊભો રહી જાય છે.  સમય આપણને ચેલેન્જ આપતો રહે છે.  પડકારને જે સ્વીકારી નથી શકતો એને સમય હરાવી દે છે. પડકારને જે પ્રેમ કરે છે એની પાસે સમય શરણાગતિ સ્વીકારી લે છે.  સમય સામે ફરીયાદ ન કરો.  સમય સામે સવાલ ન કરો. સમયને સવાલ નહીં, જવાબ જોઇતા હોય છે.  આપણે જવાબ આપવાની ક્ષમતા કેળવવાની હોય છે.

 

હા, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણું ધ્યાન ન પડે.  વિચાર્યું હોય કંઇક અને થઇ જાય સાવ જુદું જ.  સમય આપણા મનસુબા ઉથલાવી નાખે છે.  સમય વિશે આપણે એવું પણ કરીએ છીએ કે સમય આપણને એમનો અનુભવ કરાવી દે છે કે કોણ આપણા છે અને કોણ પરાયા છે. કોણ નજીક છે અને કોણ દૂર છે.  કોણ સ્પર્શે છે અને કોણ ભડકે છે.  નજીક હોય એ જોજનો દૂર ચાલ્યા જાય છે અને જે દૂર સુધી દેખાતા ન હોય એ પાસે આવી જાય છે.

 

સમય માત્ર ખરાબ અનુભવે કરાવે એવું જરૂરી નથી.  સમય સારા અને ઉમદા ઉદાહરણો પણ પૂરા પાડતો હોય છે.  બે મિત્રો તા.  બંને વચ્ચે બચપણથી જ જીગરજાન દોસ્તી.  ફ્રેન્ડશીપ હોય ત્યારે બધા એવું જ વિચારતાં હોય છે કે આપણા સંબંધો આવાને આવા રહે.  જો કે એવું થતું નથી.  સંબંધોમાં પણ અપડાઉન આવતા રહે છે.  આ બંને મિત્રો વચ્ચે પણ એક બાબતે અંટસ પડી ગઇ.  બંને દુર થઇ ગયા.  રોજ મળનારા મિત્રો વચ્ચે અબોલા થઇ ગયા.  દોસ્તી માત્ર સ્મરણોમાં સચવાઇને રહી ગઇ.  લીસોટા સમય સાથે ઝાંખા પડતાં હોય છે.  સ્મરણો પણ ધીમેધીમે ભૂંસાતા હોય છે.  જો કે સ્મરણો કયારેય મરતાં નથી.  થોડા સમય માટે એ સુપુસ્ત થઇ જતાં હોય છે.  સ્મરણો અચાનક સજીવન થઇ સામે આવી જાય છે.  સંબંધો જીવંત થઇ જાય છે.  સંબંધોની સક્રીયાને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઇએ.  એક મિત્ર મુશ્કેલીમાં મુકાયો.  સંજોગો એવા સર્જાયા કે એ મિત્ર દરેક રીતે નીચોવાય જાય.  માણસ નીચોવાતો હોય ત્યારે એને ભીનાશની જરૂર પડે છે.  તરબતર હોય એ પણ તરસ્યો થઇ જાય છે.  બધા હોય છતાં એ એકલો પડી જાય છે.  મારો મિત્ર તકલીફમાં છે એની જાણ એના મિત્રને થઇ.  મારા મિત્રને મારી જરૂર છે એવું એને લાગ્યું.  સવાલ એ હતો કે સંપર્ક કઇ રીતે કરવો ?  કયા મોઢે એની સાથે વાત કરવી ?  એને એવું તો નહીં લાગે ને કે એની મજબુરી વખતે હું સહાનુભુતિની વાત કરી એને મારી જરૂરિયાત મહેસુસ કરાવું છું ?  એ મારી વાત નહીં સાંભળે તો ?  ઘણીવખત જેની સાથે વાત કરવા માટે કોઇ શબ્દો શોધવાની જરૂર નથી હતો એની સારી જ વાત કરવા માટે ભૂમિકા વિચારવી પડે છે !  શું વાત કરું ?  કેવી રીતે શરૂઆત કરું ?

 

આખરે તેણે પોતાના મિત્રને એક પત્ર લખ્યો.   હું તને યાદ કરું છું.  તારી સાથે વાત કરવા ઇચ્છું છું.  તારી સાથે થોડો સમય રહેવા માંગુ છું.  એટલા માટે નહીં કે તું અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે.  એટલા માટે પણ નહીં કે તારે કોઇ સહારાની જરૂર છે.  એટલા માટે કે જયારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તારી હાજરીએ મને હિંમત આપી હતી.  તારા શબ્દોએ મને શકિત આપી હતી.  તારા સ્પર્શે મને ફરીથી ઊભો કરી દીધો હતો.  મને ખબર છે કે તું મારાથી નારાજ છે. સાચું કહ્યું તો હું પણ તારાથી નારાજ છું.  આપણે આપણી આ નારાજગી થોડાં સમય માટે ભૂલી ન શકીએ.  એ દોસ્ત, ચાલ થોડો સમય આ કડવાશ ભૂલી જા.  કડવાશ આપોઆપ ઓગળતી નથી.  કડવાશને હટાવવી પડે છે.  મિત્રએ પત્રના જવાબમાં એટલું જ લખ્યું કે, આવ હું તારી રાહ જોઉં છું.  પ્રેમ,લાગણી, સ્નેહ, હૂંફ, આત્મીયતા તો દરવાજા બહાર જ હોય છે. આપણે માત્ર બારણું ઉઘાડવાનું હોય છે.

 

અઘરા સમયમાં ઘણું બધુ પરખાઇ જતું હોય છે.  જે સંબંધ અધૂરો હોય એ પૂરો થઇ જતો હોય છે.ઘણીવખત જે પૂરો થઇ ગયેલો માની લીધો હોય છે એ સોળે કળાએ ખીલીને સામે આવી જાય છે.  આપણો પ્રોબલેમ એ હોય છે કે આપણે અઘરા સમયના અયોગ્ય ઉદાહરણોને જ વાગોળતા રહીએ છીએ. મારે જરૂર હતી ત્યારે કોઇ હાજર ન હતું.  આ સમયમાં બધા ઓળખાઇ ગયા. આપણા ખરાબ સમયમાં જે હાજર હોય છે એને આપણે કેટલા એપ્રિસીએટ કરતાં હોય છે. એક વ્યકિત તકલીફમાં મુકાયો. એ સમય પૂરો થયો ત્યારે તેણે કહ્યું કે, મારા ખરાબ સમયમાં કેટલા બધા લોકો મારી સાથે હતા! મને તો ખબર પણ ન હતી કે આટલા બધા લોકો મારી નજીક છે.  હું તો દુનિયાને સ્વાર્થી સમજતો હોત. બધા મતલબી જ હોય છે એવું માનતો હતો. જો કે એવું નથી પણ જે નજીક હતા એ નજીક જ છે એનો અહેસાસ અદભૂત હોય છે.

 

ખરાબ સમયમાં માત્ર બીજાની જ ઓળખ થાય એવુ નથી હોતું.  આપણને આપણો પણ પરીચય થતો હોય છે.  આપણે આપણને પણ વધુ ઓળખતાં થતાં હોય છે.  ખરાબ સમય ઘણીવખત આપણને પણ એ સમજાવી જાય છે કે બધુ તું માને છે એવું જ હોતું નથી.  ઘણું બધું જુદું હોય છે.  બધું જ ખરાબ પણ નથી હોતું, કંઇક સારું પણ હોય છે.  આપણે આપણા ખરાબ સમયની સારી બાજુઓ જોઇ શકીએ છીએ ?  એક સરસ કહેવત છે કે દરેક કાળા વાદળને સોનેરી કિનાર હોય છે.  આપણે કાળા વાદળને જ જોતા રહીએ છીએ તો શું થાય ?  સોનેરી કિનાર જોવાની ફૂરસદ કે દાનત આપણને હોય છે ખરી ?

 

 

છેલ્લો સીન:  

 

સારામાં થોડુંક ખરાબ પણ હોય છે. ખરાબમાં કંઇક સારું પણ હોય છે.  સરવાળે તો આપણે જે શોધીએ એ જ આપણને મળતું હોય છે.   -કેયુ.

 

 

(‘દિવ્ય ભાસ્કર’, કળશ પૂર્તિ, તા. 16 સપ્ટેમ્બર 2015, બુધવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

email : kkantu@gmail.com

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
EXECUTIVE EDITOR, SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક :krishnkantunadkat.blogspot.com
ચિંતનની પળે :     email : 
kkantu@gmail.com

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો શ્રી કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

  

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા …

શ્રી ગણેશ ચતુર્થી વ્રતકથા  …

 

 

ganesh greetings

 

એકવાર ભગવાન સદાશિવ માતા ગૌરી સાથે નર્મદા તટ ગયાં. ત્યાં એક સુંદર સ્થાન પર માતા ગૌરીએ ભગવાન ભોળાનાથને કહ્યું કે પ્રભુ મારી આપની સાથે ચૌપડ ખેલ ખેલવાની અભિલાષા થઈ છે આપ કૃપા કરી મારી મનોચ્છા પૂર્ણ કરો. માતા ગૌરીની વાત સાંભળીને ભગવાન શિવ કહે કે હે હિમાની આપણે ખેલનો તો પ્રારંભ કરીએ પરંતુ આપણી હારજીતનું સાક્ષી કોણ હશે? ભગવાન શિવની વાત સાંભળીને માતા ગૌરીએ તત્કાળ ત્યાં ઘાસનાં તણખલાઓ એકઠા કરી એક પૂતળું બનાવ્યું અને તે પૂતળામાં પ્રાણ પ્રતિષ્ઠા કરી કહ્યું કે પુત્ર અમે ચૌપડ ખેલ ખેલવા ઈચ્છીએ છીએ પરંતુ અહીં અમારા ખેલનાં હારજીતનો કોઈ સાક્ષી નથી તેથી આ ખેલનાં અંતમાં તું અમારી હારજીતનો સાક્ષી બનીને કહેજે કે અમારા બંનેમાંથી કોણ હાર્યું અને કોણ જીત્યું. 

માતા પાર્વતી અને ભગવાન શિવની વચ્ચે ખેલનો પ્રારંભ થયો. દૈવયોગે માતા પાર્વતી ત્રણ વાર જીતી ગયાં. પરંતુ જ્યારે ખેલનો અંત આવ્યો ત્યારે તે પુત્રએ મહાદેવજીને વિજેતા બતાવીને કહ્યું કે માતા આપની હાર થઈ છે. તે પુત્રની વાત સાંભળીને માતા પાર્વતી ક્રોધિત થઈ બોલ્યાં કે હે પુત્ર તું જૂઠું બોલ્યો છે માટે તું એક પગે લંગડો થઈ દુઃખ ભોગવ. માતા પાર્વતીનો ક્રોધ જોઈ તે બાળકે માતા પાર્વતીને સંબોધીને કહ્યું કે હે માતા મારો અપરાધ ક્ષમા કરો હું જૂઠું કોઈ કુટિલતા કે દ્વેષને કારણે નથી બોલ્યો પરંતુ મારાંમાં રહેલી અજ્ઞાનતા અને મંદ મતિને કારણે હું જૂઠું બોલ્યો છું. હે માતા આપ મા છો પરમ કૃપાળુ અને પરમ દયાળુ છો આપ આપના પુત્રનો અપરાધ ક્ષમા કરી મને આપના શાપમાંથી મુક્ત કરો. તે બાળકની વાત સાંભળીને માતા પાર્વતીનું મન અતિ દ્રવિત થઈ ગયું અને તેમણે તે પુત્રને સંબોધીને કહ્યું કે હે પુત્ર આ સ્થળે આપ બેસીને બુધ્ધિનાં સ્વામી એવા ગણેશનું ધ્યાન ધરો અને તેમની પ્રસન્નતા મેળવવા તપ કરો જેથી આપની મતિ શુધ્ધ થાય. હે પુત્ર આપ અહીં બિરાજો કારણ કે અહીં વર્ષાન્તે થોડી નાગકન્યાઓ આવશે તેઓ ગણેશ પૂજન કરશે અને આપને મારા શાપમાંથી મુક્ત થવાનો માર્ગ ગણેશ વ્રત દ્વારા બતાવશે. જ્યારે તે નાગ કન્યાઓનાં કહ્યાં મુજબ આપ વ્રતની પૂર્ણાહુતિ કરશો ત્યારે આપના પણ શાપની મુક્તિ થશે અને આપ પુનઃ આપના મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરી મને આપ પ્રસન્ન કરશો. આમ કહી માતા ગૌરી ભગવાન શિવ સાથે કૈલાશ તરફ ચાલ્યાં ગયાં.

નર્મદાનાં પવિત્ર તટે માતા પાર્વતીનાં તે પુત્રએ માતા પાર્વતીની આજ્ઞા મુજબ ગણેશ વ્રતનો પ્રારંભ કર્યો અને તે જ જગ્યામાં સ્થિર થઈ ભગવાન ગણેશ સાથે માતા ગૌરીનું પણ ધ્યાન ધરવા લાગ્યો. એક વર્ષનાં અંતે તે સ્થળે એક દિવસ થોડી નાગ કન્યાઓ આવી. તેઓએ ત્યાં આવીને ભગવાન ગણેશનું પૂજન કર્યું અને તે બાળકને વ્રત પ્રારંભ કરવાની વિધિ બતાવી. તત્પશ્ચાત તે બાળકે ૨૧ દિવસ સુધી શ્રી ગણેશનું વ્રત કર્યું. તે બાળકનાં વ્રતથી પ્રસન્ન થઈ શ્રી ગણેશ ત્યાં પધાર્યા અને બાળકને કહ્યું કે આપ આપનું મનોવાંછિત વર માંગો ત્યારે બાળક બોલ્યો કે ભગવાન મારાં પગમાં એટલી શક્તિ આપો હું વેગપૂર્વક મારાં માતાપિતા પાસે કૈલાશ પહોંચી શકું અને તેઓ પણ મને જોઈને અત્યંત પ્રસન્ન થઈ જાય. તે બાળકની મનોચ્છા પૂર્ણ કરવા હેતુથી ભગવાન ગણેશ તથાસ્તુ બોલ્યાં અને અંર્તધ્યાન થઈ ગયાં. તે બાળક ત્યારબાદ વેગપૂર્વક અતિ ઉત્સાહિત થઈ કૈલાશ પર્વત મધ્યે બિરાજી રહેલા પોતાના માતાપિતા પાસે ગયો અને માતપિતાના ચરણોમા પ્રણામ કર્યા. પોતાના પુત્રને ઘણા સમય બાદ આવેલો જોઈ માતા ગૌરી તથા ભગવાન સદાશિવ પણ અત્યંત પ્રસન્ન થઈ પૂછવા લાગ્યાં કે હે પુત્ર આપ અહીં સુધી શી રીતે આવ્યાં? અને આપે શાપમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરી? ત્યારે તે પુત્રએ અથથી ઇતિ સુધીની સર્વે વાત પોતાના માતપિતાને કહી.

તે બાળકની વાત સાંભળીને ભગવાન શિવ અને માતા પાર્વતી ખૂબ પ્રસન્ન થયાં ત્યારે તે બાળક કહેવા લાગ્યો કે આ વ્રતની સફળતાનાં રૂપે મને મારા અપરાધમાંથી મુક્તિ પણ મળી અને સાથે સાથે મારા શપ્રસન્ન થઈ અનેક આર્શિવાદ આપવાં લાગ્યાં. તે બાળકને જ્યારે માતા ગૌરી હૃદયે લગાવી આર્શિવાદ આપી રહ્યાં ત્યારે માતા ગૌરીને પોતાના બીજા પુત્ર કાર્તિકેયની યાદ આવી ગઈ કારણ કે તેમનો આ  બીજો પુત્ર પણ માતા ગૌરીથી રૂઠીને દક્ષિણ તરફ ચાલ્યો ગયો હતો. તે પુત્રની યાદની યાદ આવતાં જ માતા પાર્વતીએ પણ ગણેશ વ્રત કરવાનું વિચાર્યું. તેમણે તે બાળક પાસેથી ગણેશ વ્રતનો ઇતિહાસ જાણ્યો અને વ્રતનો પ્રારંભ કર્યો. માતા પાર્વતીએ ૨૧ દિવસ સુધી ૨૧-૨૧ ની સંખ્યામાં દુર્વા, પુષ્પ અને લાડુ મોદક વડે ગણેશજીનું પૂજન કર્યું અને ૨૧માં દિવસે વ્રત પૂરું કરી વ્રતનું સમાપન કર્યું. આ વ્રત પૂરું થતાં જ દક્ષિણ તરફથી કાર્તિકેયજી કૈલાશ પર પધાર્યા અને ઉત્સાહપૂર્વક માતાને મળ્યાં. પુત્ર કાર્તિકેયને પધારેલા જોઈ ગૌરી ખૂબ પ્રસન્ન થયાં. પુત્ર સાથેની વાતચીત દરમ્યાન ગૌરીએ પુત્રને આ ગણેશ વ્રત વિષે પણ જણાવ્યું. આ વ્રતની કથા સાંભળી કાર્તિકેયજી અત્યંત પ્રસન્ન થયાં ત્યાર બાદ થોડા દિવસ આનંદ પ્રમોદથી પોતાના માતાપિતા પાસે રહ્યાં ત્યારબાદ તેઓ પુનઃ દક્ષિણ દેશ પધાર્યા. આ ગણેશ વ્રતની કથા અને તેનું માહાત્મ્ય કાર્તિકેયજીએ રાજન વિશ્વામિત્રને જણાવી. રાજા વિશ્વામિત્રએ પણ આ વ્રત કરી ગણેશજી પાસેથી બ્રહ્મ-ઋષિ બનવાનું વરદાન માંગ્યું. ભગવાન ગણેશે પણ રાજા વિશ્વામિત્રની આ મનોચ્છા પૂર્ણ કરી તેમણે બ્રહ્માનંદની પ્રાપ્તિને અર્થે બ્રહ્મર્ષિ બનવાનું વરદાન આપ્યું, આ વ્રતને કારણે રાજા વિશ્વામિત્ર સંસારમાં મહર્ષિ વિશ્વામિત્ર અને બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર તરીકે પ્રખ્યાત થયાં. આમ ગણેશ ચતુર્થીનું વ્રત ૨૧ દિવસ કરવાથી શ્રી ગણેશજી મનની તમામ કામનાઑ પૂર્ણ કરે છે.

 

ભગવાન ગણપતિનાં સાકાર સ્વરૂપનો અર્થ…

 

વિવેકશીલતાનાં પરિચાયક અને પર્યાય એવા ભગવાન ગણપતિનો વર્ણ લાલ છે તેથી ભગવાન ગણપતિની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે ભગવાન ગણપતિનું પૂજન લાલ વસ્ત્ર, લાલ ફૂલ, અને રક્તચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન ગણપતિનું સાકાર સ્વરૂપ તેમનાં ભક્તોને અભય આપનારું છે. ભગવાન ગણપતિના કાન અતિ વિશાળ સૂપડા જેવા છે. સૂપડાનો ઉપયોગ અનાજ સાફ કરવા માટે થાય છે. દરેક વાર ઉપર ઊઠતું સૂપડું પોતાની પાસેના અનાજમાંથી કચરો કાઢતું જાય છે અને અનાજને બચાવીને રાખે છે તેમ ભગવાન ગણપતિના સૂપડા જેવા કાન પણ સાચી વાતોને સાંભળી હૃદયમાં ઉતારે છે અને ખોટી વાતોને કચરાની માફક બહાર ફેંકી દે છે, અર્થાત સાચા સારને ગ્રહણ કરવો અને વ્યર્થ લાગતી વાતોને મન, મગજ અને હૃદયથી દૂર જ રાખવી. ભગવાન ગણપતિની આંખ સૂક્ષ્મ અને બારીક છે. કહે છે કે ગજની બારીક આંખો એ તમામ વસ્તુ જોઈ શકે છે જેની પર ઝડપથી કોઇની નજર ન જાય તે ગજની દૃષ્ટિ એ તરત જ આવી જાય છે. રસ્તા પર ચાલતી કીડી પણ ગજદૃષ્ટિથી દૂર રહી શકતી નથી. ભગવાન ગણપતિ ગજાનનનાં પણ આ બારીક ચક્ષુઓ ગજની જેમ જ જીવનની પ્રત્યેક ક્ષણોમાં એકાગ્રતા અને પોતાના લક્ષ્ય તરફ જ સૂક્ષ્મ દૃષ્ટિ રાખવાનું સૂચન કરે છે. ભગવાન ગણપતિને બે દંત છે એક દંત પૂર્ણ છે જે શ્રધ્ધા અને વિશ્વાસનું પ્રતિક છે અને બીજો અપૂર્ણ દંત તે બુધ્ધિ અને મતિનું પ્રતિક છે. મતિ ફરે તો અખંડ શ્રધ્ધાને પણ ખંડિત કરી નાખે છે આથી ભગવાન ગણપતિનાં બંને દંત ખંડન અને અખંડનાં પ્રતિક રૂપ છે. કહેવાનું તાત્પર્ય  એ છે કે મતિ ભલે ભ્રમિત થઈ જાય પરંતુ શ્રધ્ધા અને વિશ્વાસ ન ડગમગવા જોઈએ. ભગવાન ગણપતિનું મોટું પેટ બીજાની વાતોને અને અન્ય લોકોની નબળાઈઓને ગુપ્ત રાખવાનો બોધ આપે છે. ભગવાન ગજાનન ગણપતિનું નાક વિશાળ છે જે ભક્તોનાં જીવન પર આવનારી તમામ મુશ્કેલીઑ અને વિપદાઑ દૂરથી જ સૂંઘી લે છે. ભગવાન કમર પર નાગ રૂપી કમરબંધ રહેલો છે તે શિવ કુંડલીની અને જાગૃત કુંડલીનીનું પ્રતિક છે. ભગવાન ગણપતિનાં હસ્તમાં રહેલ અંકુશ એ અવિધ્યાનો નાશ કરે છે. મૂષક સ્વયં તે રજોગુણનું પ્રતિક છે અર્થાત જીવોમાં રહેલા રજોગુણને ભગવાન ગણપતિ નિયંત્રણ કરે છે તે દર્શાવે છે. જ્યારે ભગવાન ગણપતિનાં પગ પાસે મૂષકરાજ બિરાજમાન છે તે શરણાગતિનાં પ્રતિક રૂપે છે. આમ ભગવાન ગણપતિનું વદનકમળ અને ચિન્હો રૂપ રહેલા સાકાર સ્વરૂપને સમજી હૃદયપૂર્વક ભગવાન ગણપતિની સ્તુતિ કરવાથી જીવોનાં જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય અને સફળતા આવે છે. 

ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે બોલાતા થોડાક વિશિષ્ટ મંત્રો અને શ્લોકો

 

૧) ગણપતિ ઉત્સવ દરમ્યાન જો ઘરમાં ગણપતિજી પધરાવ્યાં હોય ત્યારે સવારનાં સમયે આ શ્લોક બોલી તેમનું સ્મરણ કરવું.

प्रातर्नमामि चतुराननवन्द्यमानमिच्छानुकूलमखिलं च वरं ददानम् |
तं तुन्दिलं द्विरसनाधिपयज्ञसूत्रं पुत्रं विलासचतुरं शिवयोः शिवाय ||

 

૨) ભગવાન ગણપતિને આસન પર બિરાજમાન કરતી વખતે આ મંત્ર બોલવો.

नि षु सीड गणपते गणेषु त्वामाहुर्विप्रतमं कवीनाम् |
न ऋते त्वत् क्रियते किंचनारे महामर्कं मघवन्चित्रमर्च ||

 

૩) ભગવાન ગણપતિની પૂજા કરતી વખતે તેમને આહ્વાન આપવા માટે આ શ્લોક બોલવો

गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रियपतिं हवामहे |
निधीनां त्वा निधिपतिं हवामहे वसो मम आहमजानि गर्भधमा त्वमजासि गर्भधम् ||

 

૪) ભગવાન ગણપતિને યજ્ઞૉપવિત ધારણ કરાવતી વખતે આ શ્લોક બોલવો.

नवभिस्तन्तुभिर्युक्तं त्रिगुणं देवतामयम् | 
उपवीतं मया दत्तं गृहाण परमेश्वर ||

૫) ભગવાન ગણપતિ પર સિંદૂરનું તિલક કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

सिन्दूरं शोभनं रक्तं सौभाग्यं सुखवर्धनम् |
शुभदं कामदं चैव सिन्दूरं प्रतिगृह्यताम् ||

 

૬) ભગવાન ગણપતિને પુષ્પમાળા સમર્પિત કરતી વખતે આ શ્લોક બોલવો. 

माल्यादीनि सुगन्धीनि मालत्यादीनि वै प्रभो गणेशा |
मयाहृतानि पुष्पाणि गृह्यन्तां पूजनाय भोः ||

૭) ભગવાન ગણપતિની સામે દીપ અર્થાત દીવો મૂકીએ ત્યારે આ મંત્રશ્લોક બોલાવો જોઈએ. 

साज्यं च वर्तिसंयुक्तं वह्निना योजितं मया |
दीपं गृहाण देवेश त्रैलोक्यतिमिरापहम् |
भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने |
त्राहि मां निरयाद् घोरद्दीपज्यो ||

 

૮) ભગવાન ગણપતિની સમક્ષ નૈવૈદ્ય-પ્રસાદ સમર્પિત કરતી વખતે આ શ્લોકનું ઉચ્ચારણ કરવું.

नैवेद्यं गृह्यतां देव भक्तिं मे ह्यचलां कुरू |
ईप्सितं मे वरं देहि परत्र च परां गरतिम् ||
शर्कराखण्डखाद्यानि दधिक्षीरघृतानि च |
आहारं भक्ष्यभोज्यं च नैवेद ||

૯) ભગવાન ગણપતિને પ્રણામ કરતી વખતે આ શ્લોક બોલવો.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धिताय |
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते ||

 

૧૦) ભગવાન ગણપતિનું ધ્યાન કરતી વખતે આ મંત્ર શ્લોકનું ઉચ્ચારણ કરવું.

खर्व स्थूलतनुं गजेन्द्रवदनं लम्बोदरं सुन्दरं प्रस्यन्दन्मदगन्धलुब्धमधुपव्यालोलगण्डस्थलम |
दंताघातविदारितारिरूधिरैः सिन्दूरशोभाकरं वन्दे शलसुतासुतं गणपतिं सिद्धिप्रदं कामदम् ||

શ્રી ગણેશની આરતી 

 

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા ||
 
એકદન્ત દયાવન્ત ચાર ભુજાધારી |
મસ્તક પર સિન્દૂર સોહે મૂસે કી સવારી ||
 
અન્ધન કો આંખ દેત કોઢ઼િન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||
 
પાન ચઢ઼ૈ ફૂલ ચઢ઼ૈ ઔર ચઢ઼ૈ મેવા |
લડુઅન કા ભોગ લાગે સન્ત કરેં સેવા ||
 
દીનન કી લાજ રાખો શમ્ભુ-સુત વારી |
કામના કો પૂરી કરો જગ બલિહારી ||
 

 

 MICCHAMI DUKADAM

 

 

©201પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી  પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે. 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય … (ભાગ- ૨) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણઅવતારનું રહસ્ય … (ભાગ- ૨) …

(ગતાંકથી  ચાલું) …

 

 

 KRISHNA WITH COWS

 

 

પ્રલંબાસુર વધ :    ગોકુલમાં આવેલો પ્રલંબાસુર અગ્નિરૂપી પ્રલય બનીને આવેલો અને આખા ગોકુલમાં તેણે અગ્નિ પ્રસરાવ્યો હતો. એ અગ્નિની પ્રજવલિત જવાળામાં સર્વે વ્રજવાસીઓ બળવા લાગ્યા ત્યારે શ્રી ઠાકુરજીએ એ પ્રલંબાસુરનો વધ કરીને દાવાનળનું પાન કર્યું છે . આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી જણાવે છે કે અગ્નિતત્વનું કામ બાળવાનું અને પ્રજાળવાનું છે. આ સંસાર એ પ્રલંબાસુરનું પ્રતિક છે જે સંસારના જીવોને આધિ, વ્યાધિ, ઉપાધિના અગ્નિથી બાળે છે, પ્રજાળે છે ત્યારે શ્રી ઠાકુરજીની સેવા અને સ્મરણ એ સંસારના દાવાનળને શાંત કરવાનું કામ કરે છે.

 
વત્સાસુર વધ :   મધુવનમાં ગૌચારણ કરી રહેલી શ્રી ઠાકુરજીની ધેનુઓમાં વત્સાસુર નામનો અસુર પણ ભળી ગયેલો ત્યારે શ્રી ઠાકુરજીએ એ અસુરને ઓળખી કાઢ્યો અને તેના પગ પકડી આકાશમાં ઉછાળીને મારી કાઢ્યો. સંસ્કૃતમાં વત્સ શબ્દના બે અર્થ બતાવ્યાં છે. પ્રથમ શબ્દ વત્સ એટ્લે કે પુત્ર જ્યારે પુત્રના કર્મો અવિચારી હોય ત્યારે તેના તે અવિચારી કાર્યોથી સમાજને તેનું પરિણામ ભોગવવું પડતું હોય ત્યારે તેવો પુત્ર હોય કે ન હોય તેનાથી કોઈ ફર્ક પડતો નથી. વત્સનો બીજો શબ્દ અર્થ તે વાછરડું છે બીજી રીતે જોઈએ તો વાછરડું પણ ગૌનો પુત્ર જ છે. અહીં પણ આ પ્રસંગમાં વત્સ (વાછરડું) તે દુષ્ટભાવનું સ્વરૂપ છે અને તેના પગલા વ્રજભૂમિમાં પડેલા છે. પરંતુ જે ભૂમિમાં શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દ પડેલા છે તે ભૂમિ તે ભક્તિની ભૂમિ છે અને તે ભક્તિની ભૂમિમાં દુષ્ટો કે દુષ્ટતાનું કોઈ સ્થાન ન હોઇ શકે તેથી શ્રી ઠાકુરજીએ ગૌના પુત્ર એવા વત્સાસુરનો વધ કરી વ્રજભૂમિને નિર્મળ કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં વિશેષ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે દરેક જીવની અંદર જ દુષ્ટતા રૂપી વત્સાસુર રહે છે તે દુષ્ટતાનો નાશ કર્યા વગર જીવોનું ભક્તિમાર્ગમાં આગળ વધવું મુશ્કેલ થઈ જાય છે તેથી ખાસ કરીને કલિયુગમાં રહેલા આ પુષ્ટિ જીવો જો સતત શ્રી ઠાકુરજીનું નામ સ્મરણ કરે તો જ જીવોમાં રહેલી દુષ્ટતાનો અંશ ઓછો થાય છે.

 
બકાસુર વધ :   વ્રજભૂમિમાં યમુનાજીના કિનારે જ્યારે શ્રી ઠાકુરજી પોતાના સખાઑ સાથે ખેલી રહ્યા હતા ત્યારે બકાસુર નામનો અસુર બગલાનું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યો અને આવીને તેણે શ્રી ઠાકુરજી તથા તેના સખાઓને પોતાની વિશાળ ચાંચથી ગળી જવાનો પ્રયત્ન કર્યો ત્યારે શ્રી ઠાકુરજીએ તેની વિશાળ ચાંચ પકડીને ચીરી નાખ્યો અને ગોપબાળકોની રક્ષા કરી. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે બકાસુર બગલાનું રૂપ લઈને વ્રજભૂમિમાં આવ્યો છે અને બગલો તે દંભનું પ્રતિક છે. બગલાને બે વિશાળ ચાંચ છે તે બંને ચાંચ તે અનૃત એટ્લે કે અસત્ય અને લોભનું પ્રતિક છે જ્યાં સુધી પુષ્ટિજીવોમાં અનૃત અને લોભ રહેશે ત્યાં સુધી જીવમાં ભક્તિમાર્ગ દ્રઢ થવાની શક્યતા નથી. તેથી પુષ્ટિજીવોએ સૌ પ્રથમ પોતાના જીવનમાંથી દંભ, અનૃત અને લોભનો ત્યાગ કરવો જરૂરી છે. જ્યારે જીવોમાંથી આ અનિષ્ટ તત્વો દૂર થશે ત્યારે જ જીવો ભક્તિના માર્ગની કેડી પર પગલાં મૂકી શકશે.

 

 

 nag daman

 

 

નાગદમન :   અભિમાન અને અહંકારરૂપી ભયંકર વિષમય સર્પ  આપણા મન, હૃદય અને મસ્તક પર ચઢીને બેસેલો છે ત્યારે કેવળ શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દની કૃપા જ આપણાં પર ચઢી બેસેલા અહંકાર યુક્ત સર્પનું દમન કરે છે. તે વખતે આપણી અંદર જ છુપાયેલી નાગપત્ની રૂપી દિનતા અને દૈન્યતાઓ જ્યારે પ્રભુની સંપૂર્ણ શરણારગતિ સ્વીકારે છે ત્યારે અહંકારયુક્ત થયેલા જીવને પ્રભુ ક્ષમા આપે છે. પ્રભુની નાગદમન લીલામાં દ્વિતીય પાસુ એ પણ છે કે શ્રી ઠાકુરજીએ કાલિયની ફણાઓને નાથી છે શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં કહે છે કે સાંસારિક સમુદ્રમાં જીવતા જીવને પણ લોભ, લાલચ, મદ, અસૂયા રૂપી અનેક જિહ્વા છે આ તમામ જિહ્વાને કેવળ શ્રી ઠાકુરજી જ નાથી શકે છે. વળી એ વિષમય સર્પની ફણાઓને નાથીને બાલ શ્રીકૃષ્ણ તેના પર નૃત્ય કરે છે શ્રી મહાપ્રભુજી કહે છે કે કાલિયા સર્પની એ ફણા મૃત્યુનું પ્રતિક છે પણ તેમ છતાં બાલકૃષ્ણ એ મૃત્યુથી ડર્યા નહીં પરંતુ એ મૃત્યુ પર તેમણે નૃત્ય કરીને તેના પર વિજય મેળવ્યો છે. શ્રી ઠાકુરજીની આ લીલા જીવોને મૃત્યુના ભયમાંથી અભય બનીને અભ્યંકર શી રીતે બનવું તે શીખવે છે.

 
દામોદર લીલા :   શ્રી ઠાકુરજીનું એક નામ દામોદર પણ છે. માતા યશોદાએ શ્રી ઠાકુરજીની માખણચોરી અને વ્રજનારીઓની ફરિયાદથી કંટાળીને શ્રી ઠાકુરજીને દામણે એટ્લે કે દોરડા વડે બાંધવા પડેલા. દામોદર એ શબ્દ બે શબ્દનું સંમિલિત સ્વરૂપ છે દામ એટ્કે કે દોરડું અને ઉદર એટ્લે કે પેટ. માતા યશોદાના અથાગ પ્રયત્ન બાદ ન બંધાયેલા લાલાની પાછળ માતા દોડી દોડીને થાકી ગયા ત્યારે તેઓ કાન્હા પાસે નત મસ્તક થઈ ઊભા રહી ગયાં, ત્યારે કાન્હાએ પણ દોડવાનું બંધ કર્યું અને માતાના મુખારવિંદ તરફ જોવા લાગ્યા અને સાથે વિચારવા લાગ્યા કે માતાને અત્યંત પરિશ્રમ થયો છે. પરિશ્રમયુક્ત થવાથી માતાને પ્રસ્વેદ બિંદુઑ પણ થયા છે તેથી માતાને વિશેષ પરિશ્રમ કરાવવો યોગ્ય નથી વળી માતા પણ દૈન્ય બની ગયા છે. આથી શ્રી ઠાકુરજીએ માતાના હાથમાં પકડાઈને બંધાઈ ગયા હોય તેવો ભાવ કર્યો. પૂ.ગો.૧૦૮ ગો શ્રી ઈન્દિરાબેટીજી કહે છે કે પ્રેમ એક તરફી નહિ પણ બંને બાજુનો હોય તો જ કામ થાય. પ્રભુ દામણે બંધાયા તેનું કારણ યશોદાજીનો પ્રેમ છે. શ્રી મહાપ્રભુજી આ લીલાનું રહસ્ય સમજાવતાં કહે છે કે માતા યશોદાને હું માતા છું તેવું અભિમાન આવી ગયેલું અને જગત કર્તા તો કોઈનું અભિમાન સહન નથી કરતાં ત્યાં માતાનો અહંકાર કેવી રીતે સહન કરે ?   વળી જે જગતને બાંધનાર છે તે અનંત અને શાશ્વત છે એને કોણ બાંધી શકે તેમાં ય વળી દોરડું સામર્થ્યહિન અને જડ સાધન છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે જ્યારે જીવ સાધનોનો આશરો છોડીને શરણાગતિ લઈને દૈન્ય ભાવે શ્રી ઠાકુરજી સમક્ષ જાય છે ત્યારે શ્રી ઠાકુરજી બંધાઈ જાય છે. વળી પ્રભુને બાંધવાનું એક માત્ર સાધન દૈન્યતા અને પ્રેમ છે, જ્યારે જીવ દૈન્યતાનું અને પ્રેમનું મહત્વ સમજે છે ત્યારે તેને પ્રભુની પાછળ દોડવું પડતું નથી પરંતુ પ્રભુ આપમેળે આવીને પ્રેમની દોરીએ બંધાઈ જાય છે. તેથી જ મીરાબાઈ કહે છે કે “કાચે તે તાંતણે હરિજીએ બાંધી, જેમ ખેંચે તેમ તેમની રે…..” અમદાવાદ કડીવાળા પ.પૂ ૧૦૮ ગો શ્રી વ્રજેશલાલજી મહારાજ શ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જે શ્રી ઠાકુરજી વ્રજમાં નાના બાલક સ્વરૂપમાં માતા પાસે બંધાયેલા છે તે જ શ્રી ઠાકુરજી તેજ સમયે મધુવનમાં ગોપસખાઓ સાથે ખેલી રહ્યાં છે અને સાથે સાથે તેજ શ્રી ઠાકુરજી કુમાર અવસ્થા ધારણ કરીને રાધિકા સંગે પણ રસભાવ વહાવી રહ્યા છે, આ રીતે શ્રી ઠાકુરજી ત્રણે  ભુવનમાં એકસાથે વ્યાપી રહેલા છે. આમ શ્રી ઠાકુરજીની એક જ સમયે અનેક લીલા હોવા છતાં ભક્તોને સર્વલીલાનો અનુભવ કરાવે છે.

 
દધિમંથન લીલા :   વેદગ્રંથોમાં આપણી ઇન્દ્રીયોને દધિ એટ્લે કે દહીં સાથે સરખાવવામાં આવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે દહીં એ સ્નેહનું પ્રતિક છે. વ્રજનારીઓ પોતાના ઘરે દધિમંથન કરે છે તેમ જીવોએ પણ પોતાની ઇન્દ્રીયોનું મંથન કરવું જોઇએ. વ્રજની ગોપીઓ હંમેશા પોતાના દધિને માટલીમાં જમાવતી હતી એનું મુખ્ય કારણ એ છે કે માટલી માટીમાંથી બને છે અને માટી ભૂમિમાંથી આવે છે અને ભૂમિ એ અપરાપ્રકૃતિનું એક મહત્વનું અંગ છે. જ્યારે ચિત્ત રૂપી પય એટ્લે કે દૂધરૂપી પ્રવાહી ભૂમિ રૂપી માટલી અર્થાત અપરાપ્રકૃતિની અંદર મળી જાય છે ત્યારે તે પ્રવાહીને એક આકાર મળી જાય છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે માટલીમાંનું પ્રવાહી તે આપણું તરલ મન છે, જેમ માટલી હલે છે તે રીતે આપણું મન પણ વિવિધ પરિસ્થિતીમાં હાલકડોલક થતું જાય છે. પરંતુ જ્યારે માટલીમાં રહેલ પયરૂપી પ્રવાહીમાં જ્યારે દધિનું બિંદુ મેળવવામાં આવે છે ત્યારે તે પ્રવાહી રૂપી પય દધિરૂપે જામી જાય છે. અહીં શ્રી મહાપ્રભુજી એ પણ સમજાવે છે કે મનરૂપી તરલ પ્રવાહી અત્યંત ચંચળ છે અને વાસનામય છે તે ચંચળ અને વાસનામય મનને કારણે ચિત્તમાં સતત અવનવા વિચારોનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. પરંતુ જ્યારે ચિત્તમાં સ્થિરતા આવી જાય છે ત્યારે તે મનરૂપી પ્રવાહી પણ સ્થિર થઈ જાય છે, તે જ રીતે માટલીની અંદર હાલકડોલક થતું દૂધ તે જીવોનું તરલ મન છે જ્યારે તે તરલ મનની અંદર ભગવદ સ્મરણ, વંદન, કિર્તન અને પ્રભુના પાદસેવન રૂપી મેણવણ મેળવવામાં આવે છે અને ચિંતન તથા મનન રૂપી સમય આપવામાં આવે છે ત્યારે તે તરલ મન દધિરૂપે ચોક્કસ ઘનીભૂત આકાર ધારણ કરે છે. મનરૂપી પ્રવાહી સ્થિર થઈ જતાં તે જીવના દેહભાવની અંદર રહેલા દધિરૂપી સ્નેહયુક્ત મનને શ્રી ઠાકુરજી પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે.

 
દાણલીલા :   દાણલીલામાં શ્રી ઠાકુરજી મટુકી પણ તોડે છે તેનો અર્થ એ છે કે મટુકીઓ એ મસ્તકમાં રહેલ અભિમાનનું પ્રતિક છે અને શ્રી ઠાકુરજી મટુકી નથી તોડતાં પરંતુ આપણામાં રહેલા અભિમાન રૂપી ગુમાનને તોડે છે. ખરી રીતે જોઈએ તો શ્રી ઠાકુરજીએ દધિમંથન કરીને ચોરી નથી કરી પરંતુ દધિની ચોરી દ્વારા ગોપીઓના સરળ મનની ચોરી કરી પોતાના સ્વરૂપમાં નિરોધ કરી એ નિઃસાધન વ્રજ્ભક્તો ઉપર કૃપા કરી છે. આ પ્રસંગના સંદર્ભમાં શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજી ધર્મી સ્વરૂપે પોતાના તમામ ઐશ્વર્ય છોડીને ગોપીઓના મનનાં મનોરથ પૂર્ણ કરે છે. વળી શ્રી ઠાકુરજીની દાણલીલાની આ ક્રીડા તે રાજભોગની ભાવના છે જેનાં દ્વારા શ્રી ઠાકુરજી ગોપીજનોમાં ભક્તિરૂપે રહેલા વાત્સલ્ય ભાવને, ક્યારેક સખ્ય ભાવને તો ક્યારેક દાસ્ય ભાવને ગ્રહણ કરે છે.

 
પૂર્તિ :   શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઑ રહસ્યમય ચોક્કસ છે પરંતુ તેની પાછળના રહસ્ય અને અર્થને સમજવું તે પણ બ્રહ્મ ઉપાસના સમાન છે. આથી દરેક વૈષ્ણવોએ આ બ્રહ્મ ઉપાસના સમાન શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરીને તેનું ચિંતન અને મનન કરવું જોઈએ. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનું સ્મરણ અને શ્રી ઠાકુરજીની કરેલી લીલાઓનું પાન કરતાં ચિત્ત અને હૃદયમાંથી વિષાદ ચાલ્યો જાય છે અને જીવનમાંથી વિષાદ ચાલી જતાં જીવન પ્રસાદમય અને આનંદમય બને છે, જેને કારણે વૈષ્ણવોના ચિત્ત પ્રફુલ્લિત બની જાય છે. અમદાવાદ- કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે દા.ત. સારસ્વત યુગમાં જેમ શ્રી ઠાકુરજી પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં તે જ રીતે કલિયુગમાં પણ પોતાના જ ભક્તોના ઉધ્ધાર અર્થે શ્રી ઠાકુરજી ફરી શ્રી વલ્લભ રૂપે અવતરિત થયા. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીએ કરેલી લીલાઓનું પાન કરીને તેમાં રહેલા સારને ગ્રહણ કરવો જોઈએ. જ્યારે શ્રી ઠાકુરજીની કરેલી આ લીલાઓનું હાર્દ સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ  અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

પુષ્ટિમાર્ગની દૃષ્ટિએ કૃષ્ણ  અવતારનું રહસ્ય … (ભાગ..૧) …

 

 
krishna.1

 

 
શ્રાવણ માસ જેટલો ભગવાન શિવનો કહેવાય તેટલો જ ભગવાન કૃષ્ણનો પણ ગણાય છે.  આ માસમાં ભગવાન વિષ્ણુએ પોતાનું  આનંદમય સ્વરૂપ અને પરમાનંદ આપનારા એવા કૃષ્ણ સ્વરૂપને ધારણ કરી અવતાર લીધો હતો. આમ તો  ભગવાન વિષ્ણુએ પ્રત્યેક યુગે વિવિધ અવતાર ધારણ કરીને પોતાના ભક્તોની રક્ષા કરી જ છે, પરંતુ કૃષ્ણ સ્વરૂપ ભગવાન વિષ્ણુનો આ અવતાર સૌથી વિશિષ્ટ હતો.  તેનું કારણ એ હતું કે  ભગવાનના બધા જ અવતારો કોઈને કોઈ રીતે અપૂર્ણ અને મર્યાદિક હતાં. પરંતુ દ્વાપર યુગમાં ભગવાનનો શ્રી કૃષ્ણ તરીકેનો અવતાર તે અદ્ભૂત, અપૂર્વ અને અદ્વૈતપૂર્ણ છે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે ભગવાન શ્રી વિષ્ણુએ અવતાર શા માટે ધારણ કર્યો છે? અને અવતાર લઈ ભગવાન વિષ્ણુએ ક્યુ કાર્ય પૂર્ણ કર્યું છે ?  અને અવતાર એટ્લે શું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતા શાસ્ત્રો કહે છે :  ભગવાન વિષ્ણુનું કાર્ય સંસારનું સંચાલન કરવાનું છે.  તેથી જ્યારે આસુરી વિચારવૃતિ ધરાવતા જીવોથી જ્યારે ધરા થાકી ગઈ ત્યારે સંસારના અન્ય જીવોને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુએ વિવિધ અવતારો લીધા.  પરંતુ આ તમામ અવતારોમાં જે બહુમાન ભગવાન વિષ્ણુને નથી મળ્યું તે બહુમાન કેવળ અને કેવળ મનુષ્યવતાર શ્રી કૃષ્ણને જ મળ્યું છે.  આથી બીજો પ્રશ્ન એ થાય કે કૃષ્ણ રૂપને, સ્વરૂપને અને કૃષ્ણ અવતારને  જ આ બહુમાન શા માટે મળ્યું ?

 
આ પ્રશ્નનો ઉત્તર આપતાં વલ્લભનંદન વિઠ્ઠલનાથજી જણાવે છે કે શ્રી કૃષ્ણએ સમગ્ર સૃષ્ટિના વ્યાપને-એની ભવ્યતાને, એના માન અને મર્યાદાને, એનાં સુખો અને દુ:ખોને, સાંસારિક જીવનની મહત્તા, મહત્વતા અને એના સંપૂર્ણ રૂપને જેણે નિખાલસપણે સ્વીકારી લીધું છે તે કેવળ શ્રી કૃષ્ણ છે તેથી મનુષ્યોને પોતાની જેમ જ સહજતાથી જીવનની સામે સન્મુખ થયેલા શ્રી કૃષ્ણ પૂર્ણ લાગે છે;  તેથી જ સમગ્ર સંસારના ઉધ્ધારના ઉદેશ્યને ધ્યાનમાં રાખીને ભગવાન વિષ્ણુ પૂર્ણ પુરુષોત્તમ રૂપે વ્રજભૂમિ પર પ્રગટ થયા છે.  શ્રી વિઠ્ઠલેશચરણની જેમ પુરાણોએ પણ કહ્યું છે કે ભગવાન કૃષ્ણના અવતાર દ્વારા આપણને માનવરૂપમાં પરમાત્માનો પરિચય થયો છે.  જ્ઞાનીઑ અને યોગીઓ સદાયે કહે છે કે આ સૃષ્ટિના કર્તા હર્તા તે નિરાકાર છે અને નિરંજન પ્રેમ તત્વવાળા છે, પરંતુ તે પ્રેમ પણ પ્રભુની માયાનો જ એક ભાગ છે તો પછી એ માયા તત્વવાળા પ્રભુ સૃષ્ટિમાં અવતાર શા માટે લે છે ?

 
આચાર્યચરણ શ્રી ગોકુલનાથજી  કહે છે કે જેમ જ્ઞાની પંડિતો અને વિદ્વાનોની પરીક્ષા જેમ ભાગવતમાં થાય છે તે રીતે પ્રભુની નિરાકાર અને નિરંકુશ શક્તિની પરીક્ષા પણ મનુષ્યવતારરૂપે થાય છે, આથી સૃષ્ટિના પાલનકર્તા પણ મનુષ્યરૂપે અવતાર ધારણ કરીને ભૂમિ પર આવે છે અને મનુષ્યોની જેમ જ ક્રીડા કરી સંસારને ચલાવનાર ધર્મના આત્માને પ્રગટ કરે છે.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે સામાન્ય મનુષ્ય એ લૌકિક જનની દ્વારા કર્મબંધનથી જન્મ લે છે અને ભગવાન ધર્મને ધારણ કરીને અવતાર લે છે. ઉપનિષદમાં કહ્યું છે કે અવતાર એટલે કે ઊંચા ક્ષેત્રમાંથી નીચે આવતું તે.   ભગવાન પોતે પોતાના પૂર્ણત્વ પામેલી નિશ્ચલ સ્થિતિની અંદર નિરાકાર અને નિરંજન રૂપે ઉચ્ચસ્થાને બિરાજમાન રહી ફર્યા કરે છે, પરંતુ એજ નિરાકાર શક્તિ જ્યારે પોતાનું ઉચ્ચ આસન છોડીને જ્યારે પણ ભૂમિ પર અવૃત થાય છે ત્યારે સંસારના સમસ્ત ધર્મચક્ર, ઋતુઓ અને સમયના પરિબળનું ખંડન થાય છે અને આ ખંડિત થયેલ ચક્રની અંદર પ્રભુ અવતાર ધારણ કરીને પોતાની લીલાનો પ્રારંભ કરે છે.  વેદોમાં કહ્યું છે કે જ્યારે સંસારમાં રહેલ સચરાચર સૃષ્ટિ પર અનાચાર, અસત્યનો ભાર વધી જાય છે ત્યારે અસુરો અને અધર્મનું પ્રાધાન્ય વધી જાય છે આ સમય દરમ્યાન સચરાચર સૃષ્ટિ પર ભય છવાઈ જતાં સત્ય, સતજનો અને ધર્મના ઉત્કર્ષ માટે પ્રભુ ભૂમિ પર અવતાર ધારણ કરે છે.

 

ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે :

 

यदा यदा हि धर्मस्य ग्लानिभवति भारत ।
अभ्युत्थानम अधर्मस्य तदात्मानं सृजाम्यहम।।
परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।

 

krishna bal lila

પહેલા સાત અવતારો જે કાર્ય ન કરી શક્યા તે તમામ કાર્યોને અષ્ટમ્ અવતારરૂપ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રએ પોતાના આ એક જીવનકાર્ય દરમ્યાન કર્યા છે, તેથી પ્રભુના આ અવતારને પૂર્ણ પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવ્યો છે.   અમદાવાદ-કડીવાળા પ.પૂ. ૧૦૮ ગો.શ્રી યદુનાથજી મહોદયશ્રી પોતાના વચનામૃતમાં કહે છે કે જ્યારે જ્યારે ભક્તોના હૃદયમાંથી પોતાના પ્રભુને પુકારતો આર્તનાદ નીકળશે ત્યારે ત્યારે પ્રભુ પોતાના ભક્તો માટે પ્રગટ થઈ અવતાર ધારણ કરશે ઉદાહરણ સ્વરૂપે  સારસ્વત યુગમાં જેમ શ્રી કૃષ્ણ પોતાના ભક્તોના ઉધ્ધાર અર્થે પ્રગટ થયા હતાં, તે જ રીતે કલિયુગમાં પણ જ્યારે ભક્તો અને ભક્તિ ઉપર આપત્તિ આવવા લાગી ત્યારે પોતાના જ ભક્તો અને ભક્તિના ઉધ્ધાર અર્થે પ્રભુ શ્રીકૃષ્ણ ફરી આચાર્ય સ્વરૂપે (શ્રી વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ રૂપે) અવતરિત થયા.   શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ભક્તો માટે લીધેલા અવતાર કાર્યને જાણીએ અને સમજીએ ત્યારે જીવોના મનમાં રહેલી ચંચળતા અને મલિનતા દૂર થઈ જાય છે અને મલિનતા દૂર થતાં જીવોમાં એકત્વની ભાવનાનો પ્રાદુર્ભાવ થાય છે, તેનાંથી પ્રભુ પ્રત્યે અનુરાગ થાય છે અને તે વખતે પ્રભુએ કરેલ અવતાર કાર્યની મહત્વતાં સમજાઈ જાય છે.

 
જન્માષ્ટમી :   વૈષ્ણવોના વ્હાલા પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મ બંદીગૃહમાં રાત્રિના અંધકારને પોતાની ગોદમાં છુપાવેલી અષ્ટમીની મધ્યરાત્રિએ થયો.  અંતઃકરણ પ્રબોધમાં શ્રી મહાપ્રભુજીએ બંદીગૃહ અને અંધકારને વિશેષ રીતે મૂલવતાં સમજાવતા છે કે જીવ જે સ્થળ, અને જે પળમાં જન્મે છે તે સમયનું બંધન તે બંદીગૃહ છે, અને અંધકાર તે જીવની કર્મભૂમિ છે.  કર્મભૂમિ એ જીવ અને પ્રભુ બંનેને માટે હોય છે, તેથી સંસારમાં કોઈપણ સ્થળેથી પ્રગટ થતો જીવ તે અંધકાર રૂપી ભૂમિમાં બીજ રૂપે રહે છે અને પોતાના યોગ્ય સમય અનુસાર તે અંધકારમાંથી જન્મ લઈ પ્રકાશ તરફ પોતાના પ્રથમ પગલાં ભરે છે.  અંધકાર અને પ્રકાશનો બીજો અર્થ મૂલવતાં શ્રી મહાપ્રભુજીએ કહે છે કે શ્રી ઠાકુરજી એ પ્રકાશ છે અને માયા એ અંધકાર છે, જ્યાં જ્યાં પ્રકાશ રૂપ શ્રી ઠાકુરજી હોય ત્યાં માયારૂપી અંધકાર રહી શકતો નથી, આથી જ વસુદેવજી શ્રી ઠાકુરજીને લઈને જ્યારે બંદીગૃહમાં પધાર્યા ત્યારે અંધકારભર્યા માયારૂપી દરેક વિઘ્નો દૂર થતાં ગયાં.   શ્રી ગોકુલેશ પ્રભુચરણ કહે છે કે દરેક જીવ પોતે પોતાના કરેલા કર્મબંધનના કારાગારમાં જન્મે છે અને તે કર્મબંધન રૂપી કારાગૃહમાંથી મુક્તિ કેમ મળે એનો સંદેશો આપવા માટે સ્વયં ભગવાને કારાગારમાં મનુષ્ય તરીકે જન્મ લઇ પોતાની દિવ્યતાનો અનુભવ કરાવ્યો છે.  વેદોમાં કહ્યું છે કે મનુષ્ય જો ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અને તેમની જીવનયાત્રાનું અનુસરણ કરે છે ત્યારે તે જીવ કર્મબંધનો છોડીને મુક્તિ તરફ પ્રયાણ કરે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીનો જન્મ ભલે મથુરામાં થયો હોય પરંતુ તેમની લીલાનું રહસ્ય વ્રજભૂમિના કણેકણમાં પ્રસરાઈને રહ્યું છે; તેનું મુખ્ય કારણ એ છે કે શ્રી ઠાકુરજીની કર્મભૂમિ શ્રીમદ્ ગોકુલ અને વ્રજ વૃન્દાવનની અવર્ણનીય લીલાઓમાં સમસ્ત ઉપનિષદ, વેદવેદાન્ત, જ્ઞાનભક્તિનો સાર અને તત્વ સમાયેલ છે.   શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય અષ્ટમીની મધ્યરાત્રિએ થયો છે.   આ અષ્ટમીનું મહત્વ સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિમાં આઠમું સ્થાન એ અપરા પ્રકૃતિનું છે.  અપરા પ્રકૃતિ એટ્લે કે પ્રકૃતિના આઠ તત્વ. જળ, અગ્નિ, વાયુ, આકાશ અને ભૂમિ એ પંચતત્વોની સાથે મન, બુધ્ધિ અને અહંકાર. આ સમગ્ર વિશ્વ અષ્ટધા અપરા પ્રકૃતિમાં સમાયેલું છે અને જ્યારે પ્રભુ અવતાર લે છે ત્યારે તે પોતાના જીવોને આ અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢે છે.   આપણાં શ્રી વલ્લભ અને વલ્લભકુલ બાલકો સાથે સમસ્ત પુષ્ટિ વૈષ્ણવો આપણને પ્રત્યેક પળ શીખવે છે કે આપણને સંસારની અપરા પ્રકૃતિમાંથી બહાર કાઢનાર આપણાં શ્રી ઠાકુરજી છે તેથી શ્રી ઠાકુરજીનું નામ, સ્મરણ ,ચિંતન, વંદન, સેવા, પાદસેવન જ્યારે વૈષ્ણવો દ્વારા થાય છે; ત્યારે ત્યારે શ્રી ઠાકુરજીનું પ્રાગટ્ય આપણાં હૃદય રૂપી કારાગૃહમાં થાય છે. એ હૃદયમાં પ્રગટ થયેલા પ્રભુ પોતાના ભક્તોના મનમાં રહેલી અપરાકૃતિને દૂર રાખી વૈષ્ણવોના આત્મારૂપી વ્રજભૂમિમાં સ્થિર થઈ જઈ પોતાની રસમય બાલ્ય, માધુર્ય, દાસ્ય અને સખ્ય લીલાઓની અનુભૂતિ વૈષ્ણવોને કરાવે છે.

 
શ્રી મહાપ્રભુજી કહે છે કે માર માર કરતો વરસાદ વરસી રહ્યો હતો, લૌકિક સ્વરૂપા શ્રી યમુના નદીનાં બંને કાંઠા અવિરતપણે છલકાઈ રહ્યાં હતાં, પણ તેમ છતાં કંસના ભયથી પિતા વાસુદેવ શ્રી ઠાકુરજીને ગોકુલ તરફ યમુનાપાર કરાવીને લઈ જતા જોઈને આધ્યાત્મિક તીર્થ સ્વરૂપા દેવી શ્રી યમુનાજીનું હૃદય ભાવને કારણે છલકાઈ આવે છે;  જેને કારણે પિતા વાસુદેવના મુખ સુધી યમુનાજીના નીર આવી ગયેલા.   પિતા વાસુદેવના હૃદયમાં રહેલા ડરને શાંત કરવા અને શ્રી યમુનાજીના ભાવને શાંત કરવા પ્રભુએ પોતાના ચરણાર્વિન્દનો આશ્રય શ્રી યમુનાજીને કરાવ્યો ત્યારબાદ યમુનાજી શાંત થઈ ગયા.  શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી ઠાકુરજીના ચરણાર્વિન્દનો સ્પર્શ પામ્યા બાદ આધ્યાત્મિક શ્રી યમુનાજીમાં શ્રી ઠાકુરજીનું દૈવીતત્વ સમાઈ ગયું તેથી શ્રી યમુનાજીએ પણ આધિદૈવીક સ્વરૂપ ધારણ કર્યું અને એજ સ્વરૂપે શ્રી ઠાકુરજીની સાથે વ્રજભૂમિમાં પ્રવેશ કર્યો.   આ પ્રસંગના રહસ્યને વધુ વિશાળતાથી સમજાવતાં શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રકૃતિના જીવોમાં જ્યારે કામ, ક્રોધ, મદ રૂપી વરસાદનું જોર વધી જાય છે ત્યારે જીવસૃષ્ટિની રસ, સ્પર્શ, શ્રવણ, શબ્દ, રૂપ, ગંધ ધરાવતી ઇન્દ્રિયોનો પ્રવાહ પણ અવિરતપણે બેકાબૂ બનીને વહે છે, પરંતુ જ્યારે તે સંસારસાગરના પ્રવાહમાં તણાઇ ગયેલા જીવો સતજનોનો સત્સંગ, પ્રભુ શ્રી કૃષ્ણનું સ્મરણ, અને શરણાગતિ સ્વીકારે છે ત્યારે તેમને પ્રભુના કૃપારૂપી ચરણાર્વિન્દના સ્પર્શની અનુભૂતિ થાય છે;  ત્યારે જીવોની ઇન્દ્રિયો રૂપી પ્રવાહનો વેગ શાંત પડી જાય છે.

 
શ્રી સુબોધિનિજીમાં કહે છે કે શ્રી ઠાકુરજીએ પોતાના ધર્મ અને ધર્મી સ્વરૂપને પ્રગટ કરીને પોતાના ભક્તોને પોતાની લીલાનો અનુભવ કરાવવા માટે શ્રી ગોકુલમાં બાબા નંદ અને મૈયા યશોદાને ત્યાં પધાર્યા છે.   આ વાતનું રહસ્ય સમજાવતાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ કહે છે કે બાબાનંદ આનંદના પ્રતિનિધિ હોવાથી તેમનું ગૃહ પણ આનંદમય છે.   મૈયા યશોદા યશ આપનારી અને માતૃત્વથી ભરેલી છે તેથી તેના આંગણામાં સદાયે માતૃત્વ રસ બનીને વહ્યા કરે છે. બાબાનંદના આનંદિત અને મૈયા યશોદાના વાત્સલ્ય પૂર્ણ હસ્ત નીચે શ્રી ઠાકુરજીએ ધર્મના ઉધ્ધાર અર્થે શ્રીમદ્ ગોકુલ અને વ્રજમાં કરેલી અનેક લીલાઓમાં અનેક કર્મ પ્રગટ કર્યા છે.

 
શકટાસૂર વધ :   શકટાસૂર વધ લીલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે શકટાસૂર તે બે શબ્દનો એક શબ્દ બનેલો છે.   શકટ+અસૂર=શકટાસૂર.   તેમાં શકટ શબ્દના બે અર્થ શ્રી મહાપ્રભુજીએ કહ્યાં છે.   પ્રથમ અર્થ તે શકટ એટ્લે કે ઘડો અને શકટનો બીજો અર્થ તે ગાડુ.   પ્રથમ અર્થ શકટનો જોઈએ તો ઘડો અને ઘડામાં જે ઇચ્છો તે પ્રવાહી મૂકી શકાય છે.   જેમ ઘડો લઈને નિર્મળ જળ પાસે જઈને નિર્મળ જળ ભરાય તેમ કાદવવાળી જગ્યામાં જઇ કાદવ યુક્ત ગંદુ જળ પણ ભરી શકાય છે.   તેમ આ મસ્તક રૂપી શકટમાં પણ સારા નસરા વિચારો રૂપી પ્રવાહી મૂકી શકાય છે.   શકટનો દ્વિતીય અર્થ તે ગાડુ, પરંતુ અહીં શકટનો અર્થ લૌકિકમાં ગાડુ ન લેતા શ્રી પ્રભુની આ લીલા અલૌકિક રીતે સમજવા પ્રયત્ન કરીએ તો કથાવસ્તુ સમજાય છે કે આપણું શરીર એ શકટ છે.   પાંચ ઈન્દ્રિયો અને છઠ્ઠું મન એની નીચે જીવ દબાઈને દટાઇ જાય છે. આપણું ભગવદ સ્વરૂપ, આપણું ચૈતન્ય સ્વરૂપ, આપણું કૃષ્ણ સ્વરૂપ એ દબાઈ ગયેલા અને દટાઇ ગયેલા લૌકિક દેહભાવને દૂર કરી દે તો જ આપણાંમાં રહેલા શકટાસુરનો વધ થાય.   શકટાસૂરમાંનો છેલ્લો શબ્દ તે અસૂર અને અસૂર એટ્લે રાક્ષસ.   પરંતુ આ સમાજમાં અસુર કોણ છે ?   શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે  કહે છે કે જે લોકોના, જાતિના, સમાજના વિચારો નકારાત્મક ભોગવાદી છે જે પ્રભુની પરમ શક્તિમાં વિશ્વાસ ધરાવતો નથી જે માત્ર વિવિધ પ્રકારના ભોગો ભોગવવામાં આનંદ માણે છે, જે પોતે તો જીવે છે પરંતુ બીજાને શાંતિથી જીવવા દેવામાં માનતો નથી તે અસૂર છે.   તે જ રીતે મસ્તક રૂપી ઘડામાં (શકટમાં) નકારાત્મક-નરસા વિચાર રૂપી જળ તે રાક્ષસ અને સારા વિચાર રૂપી જળ તે દેવ રહે છે તે જોતાં જણાઈ આવે છે કે આપણાં વિચારો જ આપણને સુર કે અસુર બનાવે છે.

 
પૂતનાવધ :   ગોકુલમાં બિરાજેલા શ્રી ઠાકુરજીએ પૂતનાવધ કર્યો.   શ્રી મહાપ્રભુજી જણાવે છે કે પૂતના એ તૃષ્ણા અને અસૂયાનું પ્રતિક છે જ્યારે વૈષ્ણવોએ પોતાનો અને પોતાની આસપાસ રહેલા સમાજનો ઉત્કર્ષ કરવો હશે તો તેમણે પોતાના જીવનમાંથી તૃષ્ણા અને અસૂયા રૂપી પૂતનાનો નાશ કરવો જોઈશે.

 
 તૃણાવત વધ :   શ્રી ઠાકુરજીએ જેમ શકટાસુર વધ કર્યો છે તેમ તૃણાવત વધ પણ કર્યો છે.   શ્રી મહાપ્રભુજી કહે છે કે તૃણાવત વાયુનું રૂપ લઈને ગોકુલમાં આવ્યો છે અને વંટોળનું રૂપ ધારણ કરીને ગોકુલવાસીને પોતાના બલ પ્રવાહમાં ઉડાડીને લઈ જાય છે.   આ પ્રસંગના સંદર્ભમાં શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવનો દેહ તત્વ એ ગોકુલ છે અને એ દેહ તત્વમાં રહેલા મન અને હૃદયમાં લૌકિક અલૌકિક ચિંતાઑ અને વિવિધ કામનાઑ રૂપી વાયુનો વંટોળ તૃણાવત બનીને સદાયે ઘૂમ્યાં જ કરે છે.   આ લૌકિક-અલૌકિક ચિંતાઓ અને કામનાઑ રૂપી વંટોળનું નિરાકરણ ફક્ત શ્રી ઠાકુરજી દ્વારા જ થાય છે.

 

(ક્રમશ……)

 

 

પૂર્વી મોદી મલકાણ. યુ એસ એ.
purvimalkan@yahoo.com

 

© Purvi Modi Malkan  2014

  

 

પૂર્વી મોદી મલકાણ યુ.એસ.એ
purvimalkan@yahoo.com

W.:   http://pareejat.wordpress.com

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર મોકલી પુન:પ્રસિદ્ધ કરવાની તક આપવા બદલ અમો  સુશ્રી  પૂર્વી મોદી મલકાણ (યુએસએ) ના અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com

 

શ્રાવણ માસની સૌ મિત્રોને શુભકામનાઓ …!

ૐ નમ: શિવાય ….!

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

 

You can  contact /follow us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli

દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

દુનિયામાં કઈ વ્યક્તિ તમારી કમજોરી છે? …

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

 

 

 

 

હવામાં ઊછળતાં હરણ આવશે ને સૂરજનું ધગધગતું રણ આવશે,
ઊઘડતો જશે એક ચહેરો સતત, સ્મરણમાંય એનું સ્મરણ આવશે.

-આદિલ મન્સૂરી

 

આખી દુનિયામાં એવી કઈ વ્યક્તિ છે જેના માટે તમે કંઈ પણ કરો ?  હા, એવી વ્યક્તિ દરેકની લાઈફમાં હોય છે જેના માટે બધુ જ કુરબાન કરવા માણસ તૈયાર થઈ જાય છે તારા માટે તો હું આખી દુનિયા સામે લડી લઉં.  બધું જ છોડવું પડે તો પણ કોઈ અફસોસ નથી.  મારી જિંદગી તારા માટે છે. આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ. તને ઉની આંચ પણ નહીં આવવા દઉં.

 

ઉંમરના દરેક તબક્કે આ વ્યક્તિ બદલતી પણ હોય છે.  નાના હોઈએ ત્યારે મા-બાપ અને ભાઈ-બહેન સૌથી નજીકની વ્યક્તિ હોય છે.  થોડાં મોટા થઈએ એટલે લાઈફમાં ફ્રેન્ડસની એન્ટ્રી થાય છે. યંગ થઈએ એટલે પ્રેમી અથવા તો પ્રેમિકા જિંદગીની પ્રાયોરિટીમાં ટોપ પર આવી જાય છે.  જિંદગી થોડીક આગળ વધે એટલે પત્ની અથવા પતિ લાઈફની મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વ્યક્તિ બની જાય છે.  એ પછી બાળકો માટે માણસ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. સંબંધોની સૌથી વધુ તીવ્રતા શેમાં હોય છે ?  પ્રેમી અને પ્રેમિકાના કિસ્સામાં ?  હા, પ્રેમમાં હોય ત્યારે માણસ આખી દુનિયા સામે બળવો કરવા રેડી હોય છે.  શું બીજા સંબંધોમાં તીવ્રતા ઓછી હોય છે ?  ના.  દરેક સંબંધમાં તીવ્રતા તો હોય જ છે. પ્રેમમાં હોય ત્યારે તેની અસર વધુ હોય છે.  બાકી માણસ જીવનના અલગ અલગ તબક્કે સૌથી નજીકની વ્યક્તિ માટે જીવતો હોય છે.

 

જિંદગીની વાતમાં આખરે શું હોય છે ?  અંતે તો એમાં આપણા લોકોની જ વાત હોય છે.  અમુક લોકો નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક હોય છે એ દૂર પણ થતાં હોય છે અને દૂર હોય એ નજીક પણ આવતાં હોય છે.  થોડાક મિત્રો, થોડાક હિતેચ્છુઓ, થોડાક વિરોધીઓ, થોડાક દુશ્મનો અને થોડાક ખેલ જોનારાઓ હોય છે.  આ બધા જ લોકો આખરે તો માણસ જ છે. સારા હોય કે નરસા, એ આપણી સાથે જ જોડાયેલા હોય છે. એ જ લોકો આપણી જિંદગીની કહાની છે, એ જ લોકો આપણી જીવનકથાના પાત્રો છે.  એ જ આપણા અનુભવો છે એને બાદ કરી નાખો તો જિંદગી કોરી કિતાબ જ થઈ જાય !  જો કે, લોકો જિંદગીની કિતાબ કોરી રાખવા દેતાં નથી.  એ લોકો એક પછી એક પ્રકરણ ઉમેરતાં જ જાય છે. થોડાંક રંગીન પ્રકરણ, થોડાક બ્લેક એન્ડ વ્હાઈટ અને થોડાંક ગ્રે !

 

આપણી જિંદગીમાં સૌથી નજીકની વ્યક્તિ આપણી કમજોરી હોય છે.  આ ‘કમજોરી’ જીવવાની પણ એક અનોખી મજા છે.  એક વ્યક્તિ આપણી જિંદગીનો સેન્ટર પોઈન્ટ હોય છે.  એનો સાથ, એનો સહવાસ, એના વિચારો અને એના માટે કંઈક કરી છૂટવાની તમન્ના આપણને જીવવાના કારણો પૂરાં પાડે છે.  આવા સંબંધોમાં કંઈ જ અયોગ્ય કે અજુગતું લાગતું હોતું નથી. બધુ જ વાજબી અને યોગ્ય લાગે છે.  આખી દુનિયા જેને ગેરવાજબી કહેતી હોય એવું કરવામાં પણ આપણને કંઈ ખોટું લાગતું નથી.  દુનિયા કહેતી હોય છે કે એ તો એની પાછળ પાગલ છે એના સીવાય એને બીજું કંઈ દેખાતું નથી.  દેખાતું હોતું પણ નથી, કારણકે એ જ વ્યક્તિ આપણા માટે બધુ જ હોય છે.  પોતાની જિંદગી કરતાં પણ એ આગળ હોય છે.

 

બે બહેનપણીની વાત છે.  બંને બિન્ધાસ્ત.  એક સાથે મોટી થઈ.  એક સાથે ભણી.  બંનેના વિચારો સ્વતંત્ર હતા.  પોતે જ પોતાની પ્રાયોરિટી હતી. બંનેના લગ્ન થયા.  પોતપોતાના ઘરે બંને ખુશ અને સુખી હતી.  થોડાક વર્ષો પછી એક બહેનપણી તેની બીજી ફ્રેન્ડના ઘરે ગઈ.  થોડા દિવસ રોકાઈ.  એ બહેનપણી આખો દિવસ એના હસબન્ડ અને બાળકમાં વ્યસ્ત રહેતી.  એ મજામાં રહેતી હતી.  આખો દિવસ બીઝી રહેતી. પતિ અને બાળક માટે કંઈ પણ કરતી. આ બધુ જોઈને તેની ફ્રેન્ડે કહ્યું કે, તને નથી લાગતું કે તું બંધનમાં છે.  આખો દિવસ નવરી જ નથી પડતી.  તારા માટે પણ તને સમય નથી મળતો. આ તે કોઈ લાઈફ છે. તેણે પોતાની ફ્રેન્ડને બાજુમાં બેસાડી અને કહ્યું કે, હા તું કહે છે એ સાચું છે.  આ બંધન છે.  બંધન હોવા છતાં મને એ આકરું નથી લાગતું.  ઊલટું હું આ બંધનને એન્જોય કરું છું.  એક વાત યાદ રાખજે.  બંધન બે પ્રકારના હોય છે. એક લદાયેલા બંધન અને બીજા સ્વીકારાયેલા બંધન.  તને અહીં અને મારા માટે જે બંધન લાગે છે એ બંધન મારા પર કોઈએ લાદી નથી દીધુ.  એ બંધન મેં દિલથી સ્વીકારેલું છે મને ગમે છે.

 

લદાયેલા બંધનનો ભાર લાગે.  સ્વીકારેલા બંધન જ જિંદગીને જીવવા જેવી બનાવે છે.  હા, હું કંઈ પણ કહી શકું.  મારો પતિ અને મારું બાળક મારી જિંદગી છે એના માટે બધુ જ કુરબાન. પ્રેમ મેળવવા માટે પ્રેમ આપવો પડે.  પ્રેમ આપો એનાથી બમણો મળે છે.  એના માટે આપણે બસ એટલું જ કરવાનું હોય છે કે આપણા બંધનમાંથી મુકત થઈ જવાનું હોય છે.  તું તારા બંધનમાંથી મુક્ત થઈ જા.  કોઈ સાથે બંધાઈ રહેવાને બંધન કહેવું વાજબી નથી.

 

જે વ્યક્તિ આપણી કમજોરી હોય, જે વ્યક્તિ માટે આપણે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોઈએ એ વ્યક્તિ સાથે પણ સંબંધ કાયમી એકસરખા જ રહે એ જરૂરી નથી.  આપ-ડાઉન્સ તો એમાં પણ આવવાના છે.  વાંધા તો એની સાથે પણ પડવાના છે.  ઝઘડા તો એની સાથે પણ થવાના જ છે અરે, એની સાથે વાંધો પડે, ઝઘડો થાય કે મિસ અન્ડરસ્ટેન્ડિંગ થાય ત્યારે તો સૌથી વધુ પેઈન થતું હોય છે.   ક્યારેક તો જિંદગીનો કોઈ મતલબ જ લાગતો નથી.  એને જો મારી પડી નથી, એને જ મારી કદર નથી તો પછી આ બધાનો અર્થ શું છે એના વિચારો પણ આવી જાય છે. જરાક જુદી રીતે જુઓ તો આ પણ સંબંધની એક તીવ્રતા જ છે.  જેના વગર બધુ જ નક્કામું લાગવા માંડે એ કંઈ નાની વાત છે ?

 

માણસ જતું પણ ત્યાં જ કરે છે જ્યાં એ દિલથી જોડાયેલો હોય છે. માફ પણ એને જ કરે છે જેને એ પ્રેમ કરે છે.  જતું ન કરવાની જીદ જ મોટા ભાગે તો આપણને આપણી નજીકની વ્યક્તિથી દૂર કરતી હોય છે. તમારી કોણ કમજોરી છે ?  કોના માટે તમે કંઈપણ કરી શકો ?  એને ક્યારેય ભૂલતા નહીં.  એવી વ્યક્તિ સાથેનો સંબંધ ઈગો અને ગુસ્સા કરતાં વધુ મહત્ત્વનો હોય છે. ઝઘડાંની તીવ્રતા પણ સૌથી વધુ ત્યાં જ હોવાની જ્યાં સૌથી વધુ પ્રેમ હોય. કોઈ વ્યક્તિ તમારી કમજોરી હોય તો એને કમજોરી રહેવા દો.  એ જ આપણી જિંદગી હોય છે.  ઘણી વખત માણસ અફસોસ કરે છે અને કહે છે કે એના માટે હું કંઈપણ કરવા તૈયાર હતો અને એણે મારી સાથે કયું કર્યું ?  એવા સમયે થોડોક એવો પણ વિચાર કરજો કે જેના માટે હું કંઈ પણ કરવા તૈયાર હતો એની સાથે મેં કેવું કર્યું ?  જેના માટે કંઈ પણ કરવાનું મન થઈ આવે, કંઈપણ કરવાની તૈયારી હોય એવા લોકો બહુ ઓછા અને આમ તો એકાદ જ હોય છે.  એને સંભાળી અને સાચવી રાખવા જોઈએ. એના વગર જિંદગી જીવવા જેવી રહેતી નથી એટલે જ આપણી જિંદગીમાં એનું રહેવું મહત્ત્વનું હોય છે !

 

 

 

છેલ્લો સીન : 

 

છેડો ફાડવાનું મન થાય ત્યારે માત્ર એટલો વિચાર કરી જોજો કે તમે એના માટે કઈ હદ સુધી જવા તૈયાર હતા ?  છેડો ફાડીને તમે જ એ હદ વટાવી જવાના નથી ને ?  -કેયુ.

 

 
(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 26 જુલાઇ, 2015. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

 

 

 

krishnakant unadkat

કૃષ્ણકાંત ઉનડકટ
Executive Editor – SANDESH DAILY, AHMEDABAD.
બ્લોગ લીંક : krishnkantunadkat.blogspot.com – ચિંતનની પળે :
email : 
kkantu@gmail.com

 

 

 

આજની પોસ્ટ ‘દાદીમા ની પોટલી’ પર પુન:પ્રસિદ્ધ કરવાની તક મળવા બદલ અમો કૃષ્ણકાંત ઉનડકટ નાં અંતરપૂર્વકથી આભારી છીએ.

 

 

બ્લોગ લીંક : http://das.desais.net
email : dadimanipotli@gmail.com 

 

 

 

બ્લોગ પોસ્ટ પર મૂકેલ આપના પ્રતિભાવ, બ્લોગ પર આવકાર્ય છે.

 

  

You  can follow /   “LIKES”   us on :

 
twittertwitter a/c : @dadimanipotli

 
face bookfacebook at : dadimanipotli